મંદિર નો ઇતિહાસ

ભક્તશ્રી ૧૨ વર્ષની ઉંમરે ગામના એક વડીલના સાથે બાલારામ ધામમાં દર્શન માટે ગયા હતા. બાલારામ ધામમાં ફરતાં ફરતાં એક કાગળનો ટુકડો એમની પાસે આવ્યો. એ કાગળમાં એમણે જોયું તો અલગ અલગ ભગવાનના ફોટો હતા. ત્યારે એમની સાથે રહેલ વડીલે એ બધા ફોટામાંથી એક ફોટો સામે આંગળી ચીંધીને કહ્યું કે આ ફોટો હનુમાનજી ભગવાનનો છે. વડીલે કહ્યું કે આ કાગળ ફેકી દે. પરંતુ ભક્તશ્રીએ એ કાગળ પોતાના ખિસ્સામાં મુકી દીધું. પછી તેઓ બાલારામ ધામમાં શંકર ભગવાનનાં દર્શન કરી ને પોતાના ઘરે પાછા આવ્યાં. બીજા દિવસે એમણે એ કાગળમાંથી હનુમાનજી ભગવાનનો ફોટો કટીંગ કરીને તેમના ઘરના દરવાજા પર ચોંટાડી દીધો અને દરરોજ આવતાં જતાં ભક્તશ્રી એ હનુમાનજીના ફોટાને દેખીને ખુશ થતા. થોડાક દિવસો પછી ગામમાંથી કોઈક વડીલે એમને જણાવેલ કે ભગવાન શ્રીરામનું નામ લેવાથી હનુમાનજી રાજી થાય છે. એ દિવસથી ભક્તશ્રી રામ નામનું રટણ કરવા લાગ્યા. ભક્તશ્રીએ એમના ખેતરના રહેઠાણમાં જ નાની ઓરડીમાં થોડી જગ્યામાં હનુમાનજીની છબી મૂકીને પૂજા અર્ચના કરવાની શરૂઆત કરેલ. ભક્તશ્રીએ જ્ગ્યાએ રામ નામ લઈને નિ:સ્વાર્થ ભક્તિની શરૂઆત કરી હતી.

ગામના જૂના બ્રહ્માણીમાતા અને હનુમાનજી ના મંદિરમાં પણ એમણે પૂજા કરવાનું ચાલુ કર્યું હતું. શરૂઆતમાં આ જૂના મંદિરમાં બહુ ઓછા ગામલોકો દર્શન માટે આવતા. પછી ધીમે ધીમે ભક્તશ્રીની પુજાથી એ ભૂમિ પવિત્ર થઈ અને ગામલોકો એ મંદિરમાં દર્શન કરવા આવવા લાગ્યા. એ મંદિરમાં ભક્તિશ્રી દ્વારા હનુમાન જન્મોત્સવની ઉજવણી કરવાની પણ શરૂઆત કરી હતી. થોડાક વર્ષો પછી ગામ લોકોએ બ્રહ્માણી માતાજી અને હનુમાનજી નું નવું મંદિર ગામમાં બનાવીને ત્યાં સ્થાપના કરી. ભક્તશ્રીએ એમના ખેતરના સ્થાનમાં હનુમાનજી ની પૂજા કરવાનું ચાલુ રાખેલ. ૭ વર્ષની કઠોર ભક્તિ બાદ હનુમાનજી ની પૂજા જે ઓરડીમાં કરતા હતા ત્યાં રાત્રે ઊંઘતા હતા, બરાબર રાત્રે ૨:૧૫ વાગે રામ નામના રણકાર સાથે હનુમાનજી એ ભક્તશ્રીને દર્શન આપેલ. એ જ રાત્રીએ ભક્તશ્રીના માતૃશ્રી જે ૧૦ વર્ષથી બિમારીને લીધે પથારીવશ હતાં એમના સપનામાં રાત્રે હનુમાન જી આવેલ અને આશીર્વાદ આપેલ કે આજથી એમનું દુ:ખ દૂર થઈ જશે. સવારે એમનાં માતૃશ્રી પથારીમાંથી જાતે ઊભા થઈને એકદમ સ્વસ્થ તંદુરસ્ત થઈ ગયાં હતાં.

હનુમાનજી દાદાના આશીર્વાદથી ભક્તશ્રીના માતૃશ્રીને સ્વસ્થ જોઈને સગા-સબંધીઓ પણ નવાઈ પામ્યા અને એમને પણ અનુભવ થયો કે અહી ભક્તના ભક્તિભાવથી પ્રસન્ન થઈને સ્વયં હનુમાનજી મહારાજ આશીર્વાદ આપે છે. આજુબાજુમાં રહેતા લોકો અને સગા-સબધીઓમાં પણ શનિવાર અને મંગળવારની પૂજામાં સાંજે આવીને બેસવા લાગ્યાં. એમના પણ નાના-મોટા દુ:ખ દૂર કરવા માટે દાદાને પાર્થના કરી અને એમને પણ દાદાના પરચારૂપે આશીર્વાદ મળ્યા અને દુ:ખ દૂર થવાં લાગ્યાં. આ પ્રમાણે લોકમુખે એક્જ ચર્ચા થવા લાગી કે અહી ભક્તિથી પ્રસન્ન થઈને હનુમાનજી સાક્ષાત હાજરી આપે છે અને લોકોને આશીર્વાદ આપે છે. ગામના શ્રદ્ધાળુ યુવાનો પણ અહીની ભક્તિથી પ્રસન્ન થઈને મંગળ અને શનિવારની પૂજામાં આવવા લાગ્યાં. ભક્તો અહી બેસીને હનુમાન ચાલીસાના પાઠ કરવા લાગ્યા અને અહી ભક્તિભાવનું વાતાવરણ ઊભું થવા લાગ્યું.

તા- ૧૧-૧૨-૨૦૨૧ ના શનિવાર ના વહેલી સવારે અચાનક હનુમાન દાદાએ ભક્તને સ્વ્પનમાં આવીને કહયું કે, આજથી ૧૧૩ માં દિવસે મારી શોભાયાત્રા કરીને સવા બેતાલીસ કિલોની પંચધાતુની મુર્તિના રૂપે જે જ્ગ્યાએ ભક્તશ્રીને પ્રાગટ્ય દર્શન આપેલ એ જ ભૂમિ પર હનુમાનજી મહારાજ ને બિરાજમાન કરવા આદેશ આપ્યો. ભક્તો દ્વારા ૧૧૩ માં દિવસને કેલેન્ડરમાં તપસ્યો તો ખબર પડી કે એ દિવસ ચૈત્ર સુદ એકમ એટલે કે હિંદુઓનું નવું વર્ષ અને વાર પણ શનિવાર જ હતો.

એ સમયે આપણા દેશમાં અને આખા વિશ્વમાં કોરોના જેવી મહામારી ચાલુ હતી સરકાર દ્વારા પણ અમુક નિયંત્રણો મૂકવામાં આવેલાં હતાં. દિવસો વીતતાં ભક્તો પણ ચિંતા કરવા લાગ્યા કે હનુમાનજી દાદાની શોભાયાત્રા કરવાની છે અને સરકારે સામાજિક પ્રસંગોમાં વધુ માણસો એકઠા કરવાની મનાઈ ફરમાવી છે. દાદાએ ફરીથી ભક્તશ્રીને એક સ્વપ્નમાં આવીને કહ્યું કે મારી શોભાયાત્રા એજ દિવસે કરવી ભક્તશ્રીએ પણ દાદામાં શ્રદ્ધા રાખીને શોભાયાત્રાની તૈયારી કરવાનું ચાલુ કરી દીધું હતું.

|| નાસૈ રોગ હરે સબ પીરા
જપત નિરંતર હનુમંત બલબીરા ||


આ હનુમાન ચાલીસાની કડી સાર્થક થતી હોય એમ શોભાયાત્રાના ૧૫ થી ૨૦ દિવસ પહેલાં કોરોના જેવી મહામારી આપણા દેશમાંથી ઘણી ઓછી થઈ ગઈ હતી. સરકારે પણ નિયંત્રણો હળવાં કરી દીધાં હતાં. ત્યારબાદ વટીલાના તમામ ભક્તો દાદાના આશીર્વાદ લઈને તન, મન, અને ધનથી દાદાના પ્રસંગને દીપાવવા માટે પોતાનું શક્ય તેટલું યોગદાન આપવા લાગ્યા.

તા. ૨ એપ્રિલ ૨૦૨૨ ના સવારે ચંગવાડા ગામમાંથી ૧ ગજરાજ, ૫ અશ્વરાજ અને ૮ બગી સાથે ભવ્ય શોભાયાત્રા કરીને સવા બે ફૂટની પંચધાતુની મૂર્તિરૂપે વટીલા હનુમાન દાદાને વટીલાધામમાં બીરાજમાન કરવામાં આવ્યા. આ ભવ્ય શોભાયાત્રામાં અંદાજે ૧૫ હજાર ભાવિક ભક્તો જોડાયા હતા. આ ત્રણ દિવસના અવસર દરમિયાન વિવિધ સાંસ્ક્રુતિક કાર્યક્રમોનું પણ સુંદર આયોજન વટીલા ધામમાં કરવામાં આવ્યું હતું. આ ત્રણ દિવસ દરમિયાન અંદાજે ૩૫૦૦૦ ભકતોએ વટીલાધામમાં ભોજન પ્રસાદ લીધો હતો અહી વટીલાધામમાં ભક્તશ્રી દ્વારા વટીલા હનુમાન દાદાની સેવા પુજા ચાલુ રાખવામાં આવી અને દાદાના આદેશ પ્રમાણે મંગળવાર અને શનિવાર સાંજે ૭:૧૫ વાગે દાદાની આરતી કરવામાં આવે છે.


કોન્ટેક નંબર

+91 96242 24210
info@vatilahanumanji.org

મંદિર સરનામું

વટીલા ધામ
ગામ - ચંગવાડા, તાલુકો - વડગામ,
જિલ્લો - બનાસકાંઠા - ૩૮૫૫૨૦

દર્શન  સમય

સવારે ૮:૦૦ થી બપોરે ૧૨:૦૦ કલાકે
સાંજે ૪:00 થી ૮:00 કલાકે